ધ્રોલ તાલુકાના જાયવા ગામના વતની અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા વૃધ્ધે લેણુ વધી જવાથી જિંદગીથી કંટાળીને સ્વામીનારાયણ ગેસ્ટહાઉસ નજીક ગઈકાલે સાંજના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ અંગેની વિગત મુજબ, મૂળ જાયવા ગામના વતની અને હાલ ધ્રોલમાં ગોકુલપાર્ક વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા ધિરજભાઈ નાગજીભાઈ વેગડ (ઉ.વ.68) નામના વૃદ્ધનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી લેણુ વધી ગયું હતું. જેના કારણે વૃધ્ધને અવાર-નવાર નબળા વિચારો આવતા હતાં. આવા વિચારો અને સ્થિતિથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે ધ્રોલમાં આવેલા સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આ બનાવની જાણ થતા હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ વૃદ્ધનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.