જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી તસ્કરો બેખોફ બનીને એક પછી એક ચોરીઓ આચરતા રહે છે. દરમિયાન જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલ પાછળ આવેલા હિંમતનગર રોડ પરની ત્રણ દુકાનો અને લાલપુર તાલુકાના કાનવીરડી ગામમાં ટાવરમાંથી કોપર વાયર અને ધ્રાફાના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં આવેલા રૂમમાંથી રોકડની ચોરી આચર્યાના પાંચ બનાવોમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં સમયથી તસ્કરોનો રંજાળ વધી રહ્યો છે. શહેર અને જિલ્લામાં વધતી જતી ચોરીઓના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દરમિયાન ગુરૂવારના રાત્રિના સમયે જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલ પાછળ આવેલા હિંમતનગર રોડ પરની ગણેશ જનરલ સ્ટોર નામની દુકાનનું સટર ઉંચુ કરી તસ્કરોએ ટેબલના ખાનામાં રાખેલી પાંચ હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલી માધવ સ્નેકસ નામની નાસ્તાની દુકાનમાંથી તસ્કરો રૂા.2000 ની રોકડ રકમ ચોરી કરી હતી અને શાકભાજીની દુકાનનું શટ્ટર ઉંચુ કરી સામાન વેર વિખેર કરી નાખ્યો હતો અને રૂા.7000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. એક સાથે ત્રણ-ત્રણ દુકાનોમાં ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
ચોરીની જાણ થતા ગણેશ જનરલ સ્ટોરના મનોજભાઈ વાળા દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જનરલ સ્ટોર તથા માધવ સ્નેકસ અને શાકભાજીની દુકાનમાં થયેલી ચોરી અંગે મેહુલભાઈ અને જયસુખભાઈના નિવેદનના આધારે રૂા.14,000 ની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી.
ઉપરાંત જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલી દિગ્વીજયસિંહ જાડેજાની વાડીમાં રહેલાં રૂમમાં ગત તા.23ના રોજ સાંજના સમયે અજાણ્યા તસ્કરે રૂમમાં પ્રવેશ કરી કબાટના ખાનામાં રાખેલી રૂા.15 હજારની રોકડ રકમની ચોરી કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે નિલેશ સાબરિયાના નિવેદનના આધારે એએસઆઈ ડી.એસ. પાંડોર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી. તેમજ લાલપુર તાલુકાના કાનવીરડી ગામમાં આવેલા ટ્રાન્સમીશન લાઈનના 118 નંબરના ટાવરમાંથી અજાણ્યા તસ્કરે કોઇ તિક્ષ્ણ હથિયાર વડે રૂા.15000 ની કિંમતના કોપર વાયરની ચોરી કરી લઇ ગયા હતાં. આ બનાવમાં પાલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી.