સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરજણ મામલતદાર તથા નાયબ મામલતદાર સાથે અશોભનિય વર્તન કરવામાં આવ્યું હોય, ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન પ્રમુખ અગરસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ પાર્થ ગોસ્વામી તથા મહામંત્રી ડો. મહેશ પટેલ સહિતના સભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને સાંસદ વિરુધ્ધ પગલાં લેવા માગણી કરવામાં આવી છે. આ અંગે જો કોઇ પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનાત્મક પગલાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમજ તમામ મામલતદારો તા. 3 માર્ચના કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને તા. 4ના માસસિએલ ઉપર જશે.
આ પત્રમાં જણાવ્યું છે કે, સાંસદ મનસુખભાઇ વસાવા અને પૂર્વધારાસભ્ય સતિષ નિશાળીયા તા. 21ના રોજ માલોદ ગામે હતાં ત્યારે પ્રોટોકોલ મુજબ મામલતદાર અને નાયબ મામલતદાર તેમની સાથે હતાં ત્યારે સાંસદ મનસુખભાઇ દ્વારા ગામ લોકો અને સરકારી અધિકારીઓની વચ્ચે જાહેરમાં મામલતદાર સાથે અશોભનિય વર્તન કર્યું હતું. આ ઘટનાના સમગ્ર રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આથી આ સમગ્ર ઘટના અંગે કાનૂની પગલાં લેવા માગણી કરાઇ છે. ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન દ્વારા આ ઘટનાની ટિકા કરી સંબંધિત મામલતદારની પદાધિકારી દ્વારા માફી માગવા માગણી કરવામાં આવી છે.