લાંબા સમય બાદ સ્ટેટ જીએસટી વિભાગ સક્રિય બન્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 34 સહિત રાજયમાં જીનીંગ મિલો અને કપાસીયા ખોળનાં વેપારીઓ મળીને 42 એકમો પર ચેકીંગની ધોંસ બોલાવી હતી. સૌરાષ્ટ્રનાં કેટલાક એકમો પર મોડી રાત સુધી તપાસ ચાલુ છે દરમિયાન જીએસટીનાં અન્વેષણ વિંભાગનાં આ દરોડોમાં કરોડોની કર ચોરી ઝડપાઈ હોવાનું સુત્રોએ જણાંવ્યુ હતુ.
જીએસટીની અલગ-અલગ 50થી વધુ ટીમોએ રાજયવ્યાપી સર્ચ ઓપરેશનમાં હાથ ધર્યુ હતુ. સૌરાષ્ટ્રમાં જીનીંગ મિલો, કપાસીયા ખોળ અને કોટનનાં 34 જેટલા યુનિટો પર બપોરથી ટીમોએ દરોડા પાડી ચકાસણી હાથ ધરી હતી. રાજકોટ જિલ્લામાં 9, જૂનાગઢ જિલ્લામાં 3, મોરબીમાં 15, વાંકાનેરમાં 5, અમરેલી જિલ્લામાં 2, બોટાદ, ભાવનગરમાં મહુવામાં મળી 4 અને ગાંધીધામમાં એક યુનિટ સહિત સૌરાષ્ટ્રમાં રાજયમાં 43 જેટલા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ ટીમ દ્વારા ખાસ કરીને કપાસીયા ખોળનાં વ્યવહારોનું ચેકીંગ હાથ ધર્યુ હતુ. વેપારીઓ દ્વારા ખોટી વેરા શાખ લેવામા આવી રહી હોવાનું વિભાગનાં ધ્યાન પર આવતા સૌરાષ્ટ્ર – ગુજરાતમાં દરોડાઓનો દોર ચલાવવામાં આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, અને સુરત જીલ્લામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. જામનગર શહેરમાં આવેલી શ્રી ગેલકૃપા ઇન્ડસ્ટ્રીઝ પણ પર જીએસટી વિભાગના અધિકારીઓએ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. સૌરાષ્ટ્રમાં માણાવદર, ગોંડલ, મોરબી સહિતનાં વિસ્તારો કોટનનાં વેપારનાં હબ બન્યા છે. સૌરાષ્ટ્રનાં કેટલાક યુનિટોમાં રાત સુધી ચેકીંગની કાર્યવાહી ચાલી રહી છે મોટી રકમનો જથ્થો સીઝ કરવામાં આવી રહયો છે. કેટલાક યુનિટોમાં દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.