ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર મોવાણ ગામના પાટીયા પાસે ચાલી રહેલા હાઈ-વે નિર્માણના કામના સ્થળેથી રૂા.42000 ની કિંમતની 24 નંગ લોખંડની કિંમપી પ્લેટોની ચોરીના ગુનામાં ખંભાળિયા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર મોવાણ ગામના પાટિયા પાસે ખાનગી કંપની જી.આઈ.આર.એલ. દ્વારા ચાલી રહેલા હાઈ-વે નિર્માણના કામના સ્થળે મહાદેવ કોન્ટ્રાક્ટર એન્ડ સપ્લાયર નામના કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ બાંધવા શટરિંગ મટીરીયલની રાખવામાં આવેલી રૂ. 42 હજારની કિંમતની 840 કિલોગ્રામ વજન ધરાવતી 24 નંગ લોખંડની કિંમતી પ્લેટો રાત્રિના સમયે કોઇ તસ્કરો ચોરી ગયા હતાં. આ અંગે દ્વારકા જિલ્લા પોલીસવડા સુનિલ જોશી તથા નાયબ જિલ્લા પોલીસ વડા હિરેન્દ્ર ચૌધરીની સૂચના મુજબ પીઆઈ પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેકો હેમતભાઇ નંદાણિયા, ખીમાભાઇ કરમુર તથા પ્રદિપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ખંભાળિયા શ્રીજી હોટલ પાછળ ભરતભાઈ ગઢવીના કબ્જાના વાડામાંથી રૂા.42000 ની કિંમતની ચોરી થયેલ સેન્ટીંગ મટિરીયલ, લોખંડની 24 નંગ નાની મોટી પ્લેટો તથા બે નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા.52000 ના મુદ્દામાલ સાથે જામનગરના ગોકુલપરી સીક્કા માં રહેતાં ભરત સામરા સંધીયા, ખંભાળિયાના સોડસરા ગામમાં રહેતાં કરશન સોમા પરમાર તથા ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામમાં રહેતાં પરવિન દેશા વહોરા નામના ત્રણ આરોપીઓેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.