આગામી વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા એકશન મોડમાં આવી રાજ્યની દરેક બેઠક માટે નિરિક્ષકોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર બેઠક ઉપર નિરિક્ષક તરીકે વિક્રમભાઇ માડમ અને લલીતભાઇ કગથરાને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષમાં યોજાનાર છે. ત્યારે વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસ સક્રિય થઇ એકશન મોડમાં આવી ચૂકી છે. કોંગ્રેસ દ્વારા જામનગર સહિત રાજ્યની તમામ લોકસભા દીઠ બે નિરિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આ નિરિક્ષકોની હાલની પ્રાથમિકતા સભ્ય નોંધણી તથા બુથ મેનેજમેન્ટ રહેશે. તેમજ આ નિરિક્ષકો ઉમેદવારોના નામો નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. જામનગર લોકસભા બેઠક પર પણ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા બે નિરિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં હાલના ખંભાળિયાના ધારાસભ્ય અને કોંગ્રેસના પીઢ કાર્યકર વિક્રમભાઇ માડમ ઉપરાંત લલીતભાઇ કગથરાને જામનગર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યની દરેક બેઠક માટે બે-બે નિરિક્ષકોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, ખેડા, પોરબંદર, નવસારી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ ઇસ્ટ, અમદાવાદ વેસ્ટ, જુનાગઢ, અમરેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટેઉદેપુર, ભરુચ, બારડોલી, સુરત, વલસાડ સહિતની બેઠકો માટે નિરિક્ષકોના નામની યાદી જાહેર કરાઇ છે. જેમાં આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકી, અમરેલી બેઠક પર વિરજી ઠુમ્મર, અમદાવાદ ઇસ્ટ બેઠકમાં જીજ્ઞેશ મેવાણી, પોરબંદર બેઠક પર અર્જુનભાઇ મોઢવાડીયા તથા ભીખુભાઇ વારોતરીયા તથા રાજકોટ બેઠક પર હાર્દિક પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.


