આઈપીએલની 15મી એડિશન માટે આજે ખેલાડીઓની હરાજીનો પ્રારંભ થયો છે. આ વખતે લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ સહિત મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ એમ કુલ 10 ટીમો હિસ્સો લેશે.
બેંગલુરૂ ખાતે 2 દિવસ સુધી ચાલનારા આઈપીએલ મેગા ઓક્શન 2022માં કુલ 600 ખેલાડીઓ પોતાની કિસ્મત અજમાવતા જોવા મળશે. બેઝ પ્રાઈસનો સ્લેબ 2 કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, 1 કરોડ રૂપિયા, 75 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાનો છે. ઓકશનમાં અંડર-19 ટીમના ખેલાડીઓને પણ ચાન્સ મળશે. બેંગલુરૂમાં આજે પ્રારંભ થયેલી હરાજીમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ પહોંચ્યા હતા. જયારે કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે શાહરૂખખાનની પુત્રી સુહાના અને પુત્ર આર્યન હરાજીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આઈપીએલ 2022 મેગા ઓક્શન માટે કુલ 1,214 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું. 2 દિવસના આઈપીએલ ઓક્શન બાદ તમામ ફ્રેન્ચાઈઝીસની આઈપીએલ ટીમ 2022 પૂરી થશે.
બીસીસીઆઈની આ અંતિમ હરાજી હશે કારણ કે, તે આને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે. એનું કારણ એ છે કે, મોટા ભાગની ફ્રેન્ચાઈઝીસ પોતાના સ્થાયી સંયોજનમાં છેડછાડ નથી કરવા માગતી. પહેલા દિવસે 161 ખેલાડીઓ પર બોલી લાગશે જ્યારે બીજા દિવસે બચેલા ખેલાડીઓને પસંદ કરવાની ત્વરિત પ્રક્રિયા થશે. દક્ષિણ આફ્રિકાનો 43 વર્ષીય ઈમરાન તાહિર હરાજીમાં સૌથી વધારે ઉંમરનો અને અફઘાનિસ્તાનનો 17 વર્ષીય નૂર અહમદ સૌથી યુવાન ખેલાડી છે.