જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એસીબીની ટીમ દ્વારા લાંચ લેતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે રાજકોટમાં રેસક્રોર્ષ રીંગ રોડ પર વીંછીયા પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને એસીબીની ટીમે રંગે હાથ રૂા. 25,000 ની લાંચ લેતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ છટકાની વિગત મુજબ, રાજકોટના વીંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં 50 હજાર લીટર આરસીસી પમ્પ તથા 2-2 મીટર સાઈઝનું પમ્પ હાઉસ અને 3250 – પીવીસી પાઈપલાઈન નાખવાના કામનું રૂા.6.48 લાખનું ટેન્ડર એક નાગરિકનું મંજૂર થયું હતું અને આ કામ તેણે નવેમ્બર 2021માં જ પૂર્ણ કર્યુ હતું. આ કામના પ્રથમ બીલની રૂા.2,80,175 ની રકમ બેંક ઓફ બરોડાના ખાતામાં જમા થયા બાદ બાકી રહેતું રૂા.3,01,881 ના બીલ સંદર્ભે નાગરિકે વીંછીયામાં પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગના વર્ગ 2 ના નાયબ કાર્યપાલક ઈજનેર સંદીપ હેમેન્દ્ર જોશીનો સંપર્ક કરતાં સરકારી કર્મચારીએ ઓફિસે બોલાવી બિલ તથા સિકયોરિટી ડીપોઝિટની રકમ રીલીઝ કરવા વ્યવહારના 7 ટકા રકમની માંગણી કરી હતી.
ત્યારબાદ આ રકમમાં બન્ને વચ્ચે રકઝકના અંતે રૂા.25000 લાંચ આપવાનું નકકી થયું હતું પરંતુ નાગરિકે લાંચની રકમ આપવી ન હોય જેથી તેણે રાજકોટ એસીબીમાં મદદનીશ નિયામક એ.પી. જાડેજાને ફરિયાદ કરી હતી તેની સૂચનાથી પીઆઈ આર.આર. સોલંકી તથા સ્ટાફે છટકું ગોઠવી રાજકોટમાં રેસક્રોર્ષ રીંગરોડ પર એરપોર્ટ તરફ જવાના રસ્તામાં રૂા.25 હજારની લાંચ લેતા સંદીપ જોશીને રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.