ઓખામાં રહેતા એક મુસ્લિમ પરિવારના રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, રોકડ તથા સોનાના દાગીના મળી કુલ 1.05 લાખના મુદ્દામાલની ચોરી થવા પર સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા આરીફ હાજીભાઈ ચૌહાણ નામના એક સદ ગૃહસ્થ ગુરુવારે બપોરે પોતાના પરિવારજનો સાથે નજીક આવેલા ગઢેચી ગામે ન્યાઝ હોવાથી ગયા હતા. બપોરે આશરે ત્રણેક વાગ્યે પરત ફરીને જોતા તેમના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તૂટેલું હતું. જે મારફતે તસ્કરોએ ગેરકાયદેસર રીતે ઘરમાં કરી અને મકાનમાં રહેલા લાકડાના કબાટનો દરવાજો ખોલી, આ કબાટ વેરવિખેર કરી અને કબાટની તિજોરીનું તાળું તોડી નાખ્યું હતું.
આ તિજોરીમાં સમૂહ લગ્નના માટે રાખવામાં આવેલા રૂા. 65 હજાર રોકડા તથા આરીફભાઈના પત્નીની સોનાની બંગડી તથા ત્રણ વીંટી વગેરે મળી, રૂા. 40,000 ના સોનાના દાગીના તસ્કરો ચોરી ગયા હોવાનું ખુલવા પામ્યું છે હતું.
આમ, બપોરે ટૂંકા સમયગાળામાં તસ્કરોએ હાથ અજમાવી, કુલ રૂપિયા 1.05 લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ ઓખા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભે સ્થાનિક પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.