કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં આવેલા સ્વીમીંગ પુલની જગ્યામાંથી હોલીડી સીટીના માલિકે રૂા.46,000 ની ચીજવસ્તુઓની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ હતી. તેમજ આ પ્રકરણમાં ચોરી આચરનારની કારમાંથી ઉતરેલા બે શખ્સોએ યુવાનને પતાવી દેવાની ધમકી આપ્યાની બે જુદી જુદી ફરિયાદો નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટમાં સંત કબીર રોડ પર આવેલી કૈલાશધારા સોસાયટીમાં રહેતા ખોડુભાઈ સામતભાઈ મુંધવા નામના વેપારી યુવાને કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં આવેલા વેપારીની પત્ની રીનાબેનની માલિકીના સ્વીમીંગ પુલમાંથી રાજકોટના જીતેન્દ્ર કુંવરજી મારુ નામના શખસે બે સીસીટીવી કેમેરા, એક ડીવીઆર, રૂા.7000 ની તથા રૂા.7000 ની કિંમતનું એલટીવી અને રૂા.3000 ની કિંમણની ત્રણ એલોજન લાઈટો તથા રૂા.3500 ની કિંમતની સાત નાની લાઈટ તેમજ 7000 ની કિંમતની પાણીની નાની મોટર અને રૂા.15500 ની કિંમતનું સબમર્શીબલ પાઇપ તથા રૂા.3000 ની કિંમતના ફાઈબરના 6 દરવાજા મળી કુલ રૂા.46,000 ની કિંમતનો સામાન ગત 14 જુલાઈ 2021 થી 18 જાન્યુઆરી 2022 સુધીના સમય દરમિયાન ચોરી કરી ગયા હોવાનું પોલીસમાં જાણ કરતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તેમજ ખોડુભાઈ સામતભાઇ મુંધવા અને વિઠ્ઠલભાઈ બાબુભાઈ ઝાપડા નામના બે વેપારી યુવાન ગત તા.29 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે નિકાવા નજીક આવેલી રાજ હોટલમાં જમવા બેઠા હતાં તે દરમિયાન રાજકોટના જિતેન્દ્ર કુંવરજી મારુ નામના શખ્સની ગાડીમાં આવેલા વિજય નારણ મકવાણા અને અંકિત શાહ નામના બે શખ્સોએ હોટલમાં આવી ખોડુભાઈની સામેના ટેબલે બેસીને ત્યાંથી વેપારી ખોડુભાઈને ‘આજે તો તમને મારી નાખવા છે’ તેમ કહી મારી નાખવાની ધમકી આપી અપશબ્દો કહ્યા હતાં. આ બનાવ અંગે જાણ કરતા પોલીસે રાજકોટના બન્ને શખ્સો વિરૂધ્ધ ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ખોડુભાઈએ જીતુભાઈ પાસેથી સ્વિમીંગ પુલ ખરીદ કર્યો હતો અને જીતુ અને ખોડુભાઈ બન્ને મકાનના ધંધામાં સંકળાયેલા હોય જેથી આ પ્રકરણમાં અગાઉ પણ વિવાદ થયો હતો અને ત્યારબાદ ફરીથી બન્ને વચ્ચે વિવાદ થતા જીતુ મારુ સામે ચોરીની અને તેની કારમાંથી ઉતરેલા બે શખ્સોએ ધમકી આપ્યાની બે જુદી જુદી ફરિયાદના આધારે કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી હતી.