જામનગર જિલ્લા ભાજપ દ્વારા મંડલ કાર્યાલયોના બાંધકામ માટે એક અભિયાન સ્વરૂપ લઈ, માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લાના ત્રણ મંડલોમાં કાર્યાલયોનું નિર્માણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને ટીમના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓના તન-મન-ધનના સહયોગથી કરવામાં આવેલ છે.
જામજોધપુર શહેર તાલુકા જન સંપર્ક કાર્યાલય પંડિત દીનદયાળ ભવનનું લોકાર્પણ આવતીકાલે સવારે 9 વાગ્યે ગાયત્રી કોમ્પલેક્ષ ધ્રાફા ફાટક પાસે રાખવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલ તથા સાંસદ પૂનમબેન માડમ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે તેમજ પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા પૂર્વ કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાપરિયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ ભાજપાના કાર્યકરો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ ત્રણેય મંડલ કાર્યાલયોનો ઉદ્દઘાટન સમારોહ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે વર્ચ્યુઅલ રીતે આગામી તા. 11 ફેબ્રઆરી ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પૂણ્યતિથિ સમર્પણ દિને સવારે 10 કલાકે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડા તથા સાંસદ પૂનમબેન માડમ વર્ચ્યુઅલ રીતે સહભાગી થશે.
આ ઉપરાંત જોડીયા ખાતે નિર્માણ પામેલ ’કમલ ભવન’ ના ઉદઘાટન કાર્યક્રમમાં કેબીનેટ કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ, જિલ્લા સંગઠન પ્રભારી જેન્તીભાઈ કવાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ડો. પી. બી. વસોયા તથા સુર્યકાંતભાઈ મઢવી પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહેશે.
લાલપુર ખાતે નિર્માણ પામેલ કાર્યાલય ’નમો ભવન’ ના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુળુભાઈ બેરા તથા જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી તથા પ્રવિણસિંહ જાડેજા પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે. જામજોધપુર શહેર ખાતે તાલુકા અને શહેરના સંયુક્ત કાર્યાલય ’પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવન’ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા, જિલ્લા પ્રભારી વંદનાબેન મકવાણા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ પ્રત્યક્ષ ઉપસ્થિત રહેનાર છે.
આ ઉપરાંત તમામ કાર્યક્રમોમાં જિલ્લા તેમજ મંડલના વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ, સરપંચો તથા કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહેશે. માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં કાર્યાલયોનું નિર્માણ કાર્ય સમ્પન્ન થવાથી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ માટે સ્થાનિક મંડલ પ્રમુખ-મહામંત્રીઓ તથા ટીમ દ્વારા કાર્યકરોને નિમંત્રણી પાઠવવામાં આવેલ હોવાનું મીડીયા સેલના નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે. ઉદ્દઘાટન સમારંભ દરમ્યાન તમામ મંડલો પર કાર્યકરોના માધ્યમથી નમો એપ ડાઉનલોડ તથા માઈક્રો ડોનેશન અભિયાન પણ યોજાનાર છે.