બિનસચિવાલયની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 2 મહિનામાં ફરી વખત પરીક્ષા યોજવામાં આવશે. આ સાથે જ આગામી 15-20 દિવસમાં જ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ગૌણસેવાના કાર્યકારી ચેરમેન આઈએએસ આઈ. કે. રાકેશ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે.
રવિવારે બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી હતી કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારે સતત ત્રીજી વાર પરીક્ષા મોકુફ રહી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષા અગાઉ રદ કરવામાં આવી હતી. બે વાર આ જ પરીક્ષા રદ્દ થઇ ચુકી છે. આખરે ત્રણ વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા યોજવા નક્કી કર્યુ હતું જેના કારણે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીઓ કરી હતી. બિન સચિવાલયની કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. ત્રણ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પરીક્ષા યોજાવવાની હોઇ પરીક્ષાર્થીઓ રાતદિવસ વાંચન કરી મહેનત કરી રહ્યાં હતાં. પાટનગર ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં કોચિંગ કલાસમાં જઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. પરીક્ષા મોકુફ રાખવાના નિર્ણયથી લાખો પરીક્ષાર્થીઓ નિરાશ થયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પણ પરીક્ષા સેન્ટરો નક્કી કરીને પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો પણ છેલ્લે પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. ચર્ચા એવી છેકે, પ્રથમ વખત ધો.12 પાસને પરીક્ષામાં નહી બેસવા દેવાના મામલે પરીક્ષા રદ કરાઇ હતી. બીજી વાર પેપર ફુટવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. જયારે ત્રીજી વાર ચેરમેને રાજીનામુ આપતાં પરીક્ષા રદ કરાઇ છે. જોકે, પરીક્ષા કેમ રદ કરાઇ તે મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નથી.