વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભારતને 2025 સુધીમાં 5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સ્વપ્નને હકીકતમાં ફેરવવા માટે રાજ્ય સરકારે ગુજરાતનો ફાળો આપવા માટે 7 સભ્યોની એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા સચિવ ડોકટર હસમુખ અઢીયાને આ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. અત્યારે ભારત હાઇએસ્ટ ગ્રોથ રેટ સાથે વિશ્ર્વની છઠ્ઠા નંબરની મોટી અર્થવ્યવસ્થા છે. કેન્દ્રએ આગામી 4 વર્ષમાં કૃષિ અને તેને લગતી પ્રવૃત્તિઓમાંથી એક ટ્રીલીયન ડોલર, મેન્યુફેકચરીંગમાંથી એક ટ્રીલીયન ડોલર અને 3 ટ્રીલીયન ડોલર સર્વિસીસમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 2018માં પહેલી વાર આ પ્લાનની જાહેરાત કરાઇ હતી. ડો. હસમુખ અઢીયાના ચેરમેન પદે નિમાયેલી ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં એસીએસ પોર્ટસ એન્ડ ટ્રાન્સ્પોર્ટેશન
એમ. કે. દાસ, એનર્જી અને પેટ્રોકેકિકલ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મમતા વર્મા, આર્થિક બાબતોના સચિવ મિલીંદ ટોરવાણે, જીએડી સચિવ રાકેશ શંકર અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા સામેલ છે. ટાસ્ક ફોર્સ પોતાનો રિપોર્ટ 3 મહિનામાં રજૂ કરશે. જો લક્ષ્ય પ્રાપ્ત થઇ જશે તો ભારત વિશ્ર્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત વિશ્વની છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા હોવા છતાં તેનો જીડીપી અન્ય દેશોની સરખામણીમાં બહુ ઓછો છે. ટાસ્ક ફોર્સ ભારતના જીડીપીને અન્ય વિકસીત દેશો જેટલો કરવા માટે સુધારાઓ સુચવશે. અત્રે એ નોંધનીય છે કે, કૃષિ ક્ષેત્ર કે જે ભારતના જીડીપીમાં 14થી 16 ટકાનો હિસ્સો આપે છે તેનામાં તાકાત છે કે તે ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવી શકે છે.