કોરોના મહામારી વચ્ચે તાજેતરમાં બંધ કરવામાં આવેલી શાળાઓ ગઈકાલે સોમવારથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધોરણ એકથી નવની શાળાઓ સોમવારથી ઓફલાઈન શરૂ કરી દેવામાં આવી છે. આ માટે સરકારી તથા ખાનગી શાળાઓએ સરકારની કોવિડ ગાઈડ લાઈનને અનુસરીને કરવામાં આવેલા આદેશ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી કુલ 908 શાળાઓમાં ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ. વાઢેરની સુચના અને માર્ગદર્શન મુજબ કોરોના અંગેની તકેદારી રાખીને જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં ઓફ લાઇન શરૂ કરવામાં આવેલી આ શાળાઓના કુલ 1.31 લાખ વિદ્યાર્થીઓ પૈકી 36849 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે શાળાએ આવ્યા હતા. જ્યારે 63,620 વિદ્યાર્થીઓ માટે વાલીઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની શાળામાં 36.93 ટકા, ભાણવડ તાલુકામાં 44.42 ટકા, કલ્યાણપુર તાલુકામાં 40.05 ટકા અને દ્વારકા તાલુકામાં 27.72 ટકા વિદ્યાર્થીઓ ઓફલાઈન શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વચ્ચે ધોરણ 1 થી 12 માં એકાંતરા 50 ટકા પૈકી સરેરાશ 36.68 ટકા વિધાર્થીઓ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં થર્મલ ચેકીંગ તથા માસ્કના નિયમોની અમલવારી કરાવવામાં આવી હતી.