જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રીસામણે બેસેલી પત્નીને લેવા ગયેલા પતિ ઉપર બે મહિલા સહિત ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે અને ફડાકા મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર વિસ્તારમાં નજીવી બાબતે વૃધ્ધ ઉપર એક શખ્સે અપશબ્દો બોલી છરી ઝીંકયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં રહેતાં મહાવીરસિંહ કનુભા ગોહિલ નામના યુવાનની પત્ની કાજલબા તેમના ઘરે શેખપાટમાં રીસામણે બેઠા હતાં જેથી પતિ મહાવીરસિંહ તેની પત્નીને લેવા માટે શેખપાટ લેવા ગયા હતાં. તે દરમિયાન શનિવારે સાંજના સમયે પત્નીને સાથે મોકલવી ન હોય અને ખોટી ચઢામણી કરતા દિવ્યાબા ઘનુભા સોઢા, પુજાબા ઘનુભા સોઢા, મયુરસિંહ ઘનુભા સોઢા, ઘનુભા જીતુભા સોઢા સહિતના ચાર વ્યકિતઓએ એકસંપ કરી મહાવીરસિંહ અપશબ્દો બોલી મહિલાઓએ ફડાકા માર્યા હતા અને અન્ય બે શખ્સોએ લોખંડના પાઈપ તેમજ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ પત્નીને લેવા ગયેલ યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પરત ફર્યો હતો.
બાદમાં હુમલાની જાણ કરતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે મહાવીરસિંહના નિવેદનના આધારે બે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગરમાં રામેશ્ર્વરનગર પાંચ બંગલા પાસે આવેલી બકાલા માર્કેટ નજીકથી પસાર થતા મહેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા નામના સીકયોરિટી વૃધ્ધ ઉપર બળદેવસિંહ ઉર્ફે લાલિયો સાહેબજી જાડેજા નામના શખ્સે વૃદ્ધને આંતરીને અપશબ્દો બોલી આંગળીમાં છરીના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા એએસઆઇ એમ.પી.ગોરાણિયા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત વૃદ્ધના નિવેદનના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ હાથ ધરી હતી.