જામનગર શહેરમાં નવનિર્મિત્ત ઓવરબ્રીજના કામ માટે નડતરરૂપ સરકારી સહિતના કુલ 32 બાંધકામોના ડિમોલિશેન માટે આજે સવારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પાડતોડ કામગીરી કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બની રહેલા સૌથી મોટા ઓવરબ્રીજના કાર્ય માટે ડી પી કપાતમાં આવતા 32 બાંધકામો તોડી પાડવા માટે આજે સવારે જામનગર મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર વિજય ખરાડીના નેજા હેઠળ કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની તથા એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુરૂદ્વારા ચાર રસ્તાથી વિકટોરિયા પુલ સુધીમાં આવતી પાંચ સરકારી અને 27 ખાનગી સહિત 32 મિલકતોમાં ઓવરબ્રીજમાં નડતરરૂપ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં. આ બાંધકામોમાં ધાર્મિક જગ્યાઓનો અમુક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી તથા અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.