અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનની સરહદે સ્થાનિકોએ શનિવારે સવારે ભૂકંપના તેજ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપ વિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા મળતી જાણકારી પ્રમાણે શનિવાર સવારે 9:45 કલાકે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની 5.7 જેટલી તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતાનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, તેના ઝાટકા ભારતમાં કાશ્મીરથી લઈને રાજધાની દિલ્હીને અડીને આવેલા નોએડા સુધી અનુભવાયા હતા.
અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા. દિલ્હી-એનસીઆરમાં લોકોને આશરે 15-20 સેકન્ડ સુધી ધરતીમાં કંપનનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે દિલ્હી એનસીઆર અને જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓએ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નોયડામાં પણ લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુના અનેક જિલ્લાઓમાં પણ લોકોને ધરતીકંપ અનુભવાયો હતો. આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાથી જમ્મુ-કાશ્મીરમાં તેની તીવ્રતા વધારે અનુભવાઈ હતી. કાશ્મીર, પંજાબ, દિલ્હીમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદકુશ પર્વતો વચ્ચે જણાવાઈ રહ્યું છે.