જામનગર મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેરની ખાલી પડેલી જગ્યામાં ભરતી કરવા વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ તથા વિરોધપક્ષના પૂર્વનેતા આનંદ ગોહિલ દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં 1984માં જે સેટઅપ બનાવેલ હતું ત્યારે જેટલા કર્મચારીઓ સેટઅપ મુજબની ભરતી કરવામાં આવી હતી. ત્યારે જામનગરની વસ્તી માત્ર ત્રણ લાખ હતી અને ક્ષેત્રફળ 26 કિ.મી. હતું. જે અત્યારે 132 કિ.મી. જેટલું થઇ ગયું છે. 1984માં જે કર્મચારીઓ હતા તે નિવૃત્ત થઇ ગયા છે. તે પછી હાલમાં માત્ર 19 ટકા છે.
જામનગર મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ શાખા, ભૂગર્ભ શાખા, વોટર વર્કસ શાખા અને સિવિલ અને પ્રોજેકટ પ્લાનીંગ શાખામાં પાંચ કાર્યપાલક ઇજનેરોની સામે હાલમાં ફકત એક જ જગ્યા ભરેલ છે. આથી પાંચ વ્યક્તિનું કામ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. અથવા ઇન્ચાર્જ ઇજનેર મૂકી વધારાનો ચાર્જ સોંપવો પડે છે. આથી જામ્યુકોમાં કાર્યપાલક ઇજનેરો અને કર્મચારીઓની ખાલી રહેલી જગ્યા ભરવા માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવી ભરતી કરવાને બદલે કોન્ટ્રાકટ પ્રથા લગાડી દીધી છે તે રદ્ કરી નવી ભરતી કરવા આ પત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.


