ઇન્કમટેકસ રિટર્નમાં લોન લીધી હોવાનું દર્શાવવામાં આવે તો લોન કોની પાસેથી લીધી અને તેની પાસે કેવી રીતે નાણાં આવ્યા તે સહિતની જાણકારી હવેથી આપવી પડશે. જો તે પ્રમાણે કરદાતા દર્શાવી નહીં શકે તો તેની પાસેથી લોનની રકમના 83 ટકા સુધીની વસુલાત ટેકસ પેટે કરવામાં આવનાર છે.
કેન્દ્રીય બજેટમાં ઇન્કમટેકસમાં પણ અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં કાળું નાણું પકડવા માટેના નિયમો વધુને વધુ કડક કરવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. અત્યાર સુધી કરદાતા દ્વારા ઇન્કમટેકસ રિટર્નમાં કરદાતાએ લોન લીધી હોવાનું દર્શાવે તો લોન આપનારનું નામ, તેનો પાન નંબર અને બેંક સ્ટેટમેન્ટની વિગતો રજૂ કરવાની રહેતી હતી. પરંતુ એક એપ્રિલથી શરૂ થનારા નાણાકીય વર્ષથી લોન લીધી હોવાનું દર્શાવવામાં આવે તો લોન આપનારની તો વિગતો રજુ કરવી જ પડશે. સાથે સાથે તેની પાસે તે નાણા કેવી રીતે આવ્યા અને તેને કેમ લોન આપી તેની પણ વિગતો રજુ કરવાની રહેશે. આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો કરદાતા પાસેથી 83 ટકા સુધીના દંડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. જો કે આ નિયમ લાવવા પાછળનો હેતુ એવો છે કે બજારમાં ફરતુ કાળું નાણું બંધ થાય અને તેના કારણે સરકારને ટેકસ પેટે વધુને વધુ આવક થાય તે માટે આ નિયમ લાવવામાં આવ્યો છે.
ફાઇનાન્સરની હાલત સૌથી વધુ કફોડી બનશે ફાઇનાન્સર દ્વારા કોઇને પણ લોન આપવામાં આવે તો આડેધડ ધિરાણ કરી દેતા હોય છે. તેમાં મોટાભાગે બે નંબરના એટલે કે કાળા નાણાંનો જ ખેલ ચાલતો હોય છે. પરંતુ આ નિયમ લાગુ કરવામાં આવ્યા બાદ આ ખેલ પર લગામ લાગવાની શકયતા રહેલી છે


