જામનગર તાલુકાના મતવા ગામની સીમમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતા મહિલાએ તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢનું તેના ઘરે બાથરૂમમાં બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના મતવા ગામની સીમમાં આવેલી વિજયભાઈ સંઘાણીની વાડીમાં ખેતમજૂરી કામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચીચલાણા (ભોરદુ) ના વતની કનુભાઇ ઉર્ફે કનિયા પાતલિયાભાઇ ભુરિયા (ઉ.વ.38) નામના આદિવાસી યુવાને તેના ઘરે ત્રણ-ચાર દિવસથી થયેલી બીમારીના કારણે ગુમસુમ રહેતો હતો અને ગુરૂવારે બપોરના સમયે વાડીના મકાનમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પત્ની શર્મિલાબેન ઉર્ફે સવિતાબેન કનુભાઇ ભુરિયા દ્વારા જાણ કરાતા હેકો એન.વી. ગઢવી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતા ધનુબેન લીંબાભાઇ ગોલતર (ઉ.વ.40) નામની મહિલાએ તેણીના ઘરે ગુરૂવારે સવારના સમયે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ લીંબાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એફ.એમ. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરનાં શાંતિનગર – 7 માં રહેતા અને નોકરી કરતા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ચુડાસમા (ઉ.વ.58) નામના પ્રૌઢને બુધવારે સાંજના સમયે તેના ઘરે બાથરૂમમાં જતાં સમયે અચાનક બેશુદ્ધ થઈ જતા જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર કુલદીપસિંહ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. આંબરિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


