ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા ગત મોડીરાત્રે જામનગર ડેપ્યુટી મ્યુ. કમિશનર ડો. ભાર્ગવ ડાંગર સહિત રાજ્યના 134 ડે. કલેકટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. તેમજ 33 જીએએસ અધિકારીઓને જુદા જુદા જિલ્લાઓમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં હાલારના કુલ સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ગઇકાલે રાજ્યના કુલ 134 જેટલા ડે. કલેકટર કેડર, ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ અધિકારીઓની બદલીના સામુહિક ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર મહાનગરપાલિકાના ડે. કમિશનર તરીકે ફરજ બજાવતાં ડો. ભાર્ગવ ડાંગરને અમરેલીના પ્રાંત અધિકારીર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતના ડે.ડીડીઓ પાર્થ કોટડીયાને દ્વારકા જિલ્લાના ખંભાળિયાના પ્રાંત અધિકારી તરીકે બદલી કરાઇ છે. ધ્રોલના પ્રાંત અધિકારી એચ.પી. જોશીને પોરબંદરના ચૂંટણી અધિકારી તરીકે લાલપુરના પ્રાંત અધિકારી નીતિન પી. સાવલીયાને નવસારીના સ્ટેમ્પ ડ્યૂટી ડે. કલેકટર તરીકે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના પ્રાંત અધિકારી ધાર્મિક વી. ડોબરીયાને જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ જામનગર જિલ્લાના લાલપુર પ્રાંત અધિકારી તરીકે જુનાગઢના ડીએસઓ એન.ડી. ગોસ્વામીની નિમણૂંક કરાઇ છે. જામનગર ડે. ચૂંટણી અધિકારી તરીકે પાટણના ડે.ડીઇઓ જે.એમ. તુવરની નિમણૂંક કરાઇ છે.
આ ઉપરાંત 2019ની બેચના જીએએસ અધિકારી હર્ષદિપ કે. આચાર્યને જામનગરના સ્ટેમ્પ ડ્યૂટી ડે.કલેકટર તથા ગ્રિષ્મા બી. રાઠવાને દ્વારકા જિલ્લામાં કલેકટર કચેરી ખાતે ડે. કલેકટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.