સરકાર આગામી નાણાકીય વર્ષમાં ખોટ કરતી બીએસએનએલમાં 44,720 કરોડની રકમ ઠાલવશે. આના પગલે બીએસએનએલને સરકાર વેચી દેશે તેવી અટકળોનો પણ અંત આવી ગયો છે. તેમા પણ 7,443 કરોડની રકમ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાની હશે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ વીઆરએસ હેઠળ બીએસએનએલના દોઢ લાખમાંથી લગભગ એક લાખ કર્મચારી વીઆરએસ સ્વીકારી ચૂક્યા છે. આ ભંડોળના લીધે બીએસએનએલ ફોર-જી સ્પેકટ્રમ માટે ટેકનોલોજીકલી અપડેટ થઈ શકશે. આ મૂડી ઉમેરા ઉપરાંત સરકાર ટેલિકોમ ફર્મને 7,443.57 કરોડની રકમ પણ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ ફાળવશે. જ્યારે 3,550 કરોડની રકમ જીએસટીની ચૂકવણી પેટે ફાળવશે.
બીએસએનએલ અને એમટીએનએલ બંનેમાં અમલી બનનારી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાને સરકાર નાણાકીય ટેકો આપશે. આ ઉપરાંત બીએસએનએલ અને એમટીએનએલને ફોરજી સ્પેકટ્રમ માટેની જીએસટી ચૂકવવા માટે પણ નાણાકીય સમર્થન આપવામાં આવશ, એમ બજેટ દસ્તાવેજોમાં જણાવાયું હતું. ઉલ્લેખનિય છે કે સરકારે અગાઉ 2019માં પણ પબ્લિક સેક્ટરની ફર્મ્સને 69,000 કરોડનું નાણાકીય સહાય પેકેજ આપ્યું હતું. તેના પછીનું આ બીજું નાણાકીય સહાય પેકેજ છે.