ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર-50માં યુપી કેડરના નિવૃત્ત IPS અધિકારી રામ નારાયણ સિંહના ઘરે ઈન્કમ ટેક્સ (IT)ના દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગના સૂત્રોનો દાવો છે કે રામ નારાયણ સિંહના ઘરના ભોંયરામાં 650થી વધુ લોકર મળી આવ્યા છે. આ લોકરનો ઉપયોગ અન્ય ધંધાર્થીઓ પોતાના પૈસા છુપાવવા માટે કરતા હતા.
પૂર્વ IPS અધિકારી રામ નારાયણ સિંહ 2016માં DGના પદ પરથી નિવૃત્ત થયા હતા. આવકવેરા અધિકારીઓને તેના ઘરના ભોંયરામાં કરોડો રૂપિયા હોવાની માહિતી મળી હતી, અને બાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રવિવારે સવારથી જ આ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન ITના અધિકારીઓને ઘરના ભોંયરામાંથી કરોડો રૂપિયા મળ્યા હતા. પૂર્વ IPS રામ નારાયણ સિંહનું નોઈડામાં પોતાનું ઘર છે. તેમનો પરિવાર વર્ષોથી ખાનગી લોકરની સુવિધા આપે છે. ઘરના ભોંયરામાં લોકર બનાવવામાં આવ્યા છે. ITની ટીમ શંકાસ્પદ લોકોની બેનામી સંપત્તિઓને શોધવામાં લાગી છે. શનિવારે રાતે સેક્ટર-50 સ્થિત માનસમ કંપનીની ઓફિસ પર ટીમે રેડ કરી હતી. આ કંપની એક મકાનમાં ચાલી રહી હતી. જેના બેસમેન્ટમાં 650થી વધુ બેનામી લોકર ભાડેથી ચાલતા હોવાનું બહાર આવ્યું છે. આ કંપનીની માલિક પૂર્વ IPS રામ નારાયણ સિંહની પત્ની છે.