ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે સરકારે આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ 4થી ફેબ્રૂઆરી સુધી યથાવત રાખ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર ગ્રૂપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના કેસોની સમીક્ષાના અંતે કોર ગ્રૂપે લીધેલા નિર્ણય પ્રમાણે હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકારે વધુ કોઇ છૂટ આપી નથી. મહાનગરો ઉપરાંત બીજા 19 શહેરોમાં પણ કરફ્યુ અમલી રહેશે.
હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે જ્યારે વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 શહેરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર (નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ 29મી જાન્યુઆરીથી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ ચાલુ રહેશે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ 29મીએ સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને 4થી ફેબ્રૂઆરી સુધીની કરવામાં આવી છે. નિર્ણય પ્રમાણે હવે આઠ મહાનગરો ઉપરાંત 19 શહેરોમાં કરફ્યુ અમલી રહેશે.