સુરતમાં આવેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીની એનઓનસી રીન્યુ કરવા માટેની અરજી સંદર્ભે ફાયર ઓફિસરે આ વ્યવહાર માટે 30 હજારની માંગણી કરી હતી. જે લાંચ લેતા વચેટિયાને એસીબીએ છટકુ ગોઠવી ઝડપી લઇ બન્ને વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સુરતમાં એક કોમર્શિયલ શોપિંગ સેન્ટર માટે ફાયર સેફટીની એનઓનસી રિન્યુ કરવા માટે એક જાગૃત નાગરિકે સુરત મહાનગરપાલિકાના ફાયર શાખામાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે વર્ગ-3ના ફાયર ઓફિસર બેચર કરમણભાઈ સોલંકી એ આ અરજી ઝડપી જોતી હોય તો વ્યવહારના 30 હજાર રૂપિયા આપવા પડશે અને 30 હજારની રકમ સચિન અરજણ ગોહિલ નામના વ્યકિતની ઓળખ કરાવી તેને આપવા જણાવ્યું હતું. જો કે, જાગૃત નાગરિકે આ લાંચની માંગણી સંદર્ભે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસ.એસ. ગઢવી, ઈન્ચાર્જ મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.એન. દેસાઈ, એ.કે. ચૌહાણ તથા સ્ટાફ દ્વારા સુરતના મોટા વરાછા વિસ્તારમાં તુલસી આર્કેટમાં આવેલા ખોડલ ચા એન્ડ કોફી શોપ નજીક છટકુ ગોઠવ્યું હતું.
એસીબી દ્વારા ગોઠવેલા છટકામાં સચિન અરજણ ગોહિલ નામનો વ્યકિતએ ફાયર ઓફિસર વતી જાગૃત્ત નાગરિક પાસેથી 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો અને ત્યારબાદ એસીબીએ સચિનની પૂછપરછ કરતા બેચર સોલંકી વતી લાંચ લીધાનું ખુલતા ફાયર ઓફિસર અને વચેટિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.