જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતાં ખેડૂતના તરૂણ પુત્રને આંચકી આવતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કાલાવડ ગામમાં ચા ની હોટલે ભરવાડ યુવાનને છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતાં ગણપતસિંહ મંગળસિંહ જાડેજા નામના ખેડૂત યુવાનના પુત્ર યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.16) નામના તરૂણને મંગળવારે સાંજના સમયે તેના ઘરે એકાએક શરીરમા આંચકી આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તરૂણનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ ગામમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા મોમેયાભાઈ વસ્તાભાઈ બાંભવા (ઉ.વ.32) નામના ભરવાડ યુવાન સોમવારે બપોરના સમયે ચા ની હોટલે હતો તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ દેવશીભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.