પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત શાળા મૂલ્યાંકન સ્થગિત રાખવા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી મનોજ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય જીસીઇઆરટીના નિયામકને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 8-1-22થી ઓફલાઇન શિક્ષણ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના જીએસકયુએસી મારફત શાળા ઇન્સ્પેકટર દ્વારા ગુણોત્સવ અંતર્ગત મૂલ્યાંકન કાર્ય કરવામાં આવે છે. જેના આધારે ગુણોત્સવનો ગ્રેડ નક્કી થાય છે. હાલ ઓફલાઇન શિક્ષણ બંધ હોય બાળકોની ગેરહાજરીમાં તટસ્થ મૂલ્યાંકન થઇ શકે નહીં તેમજ અન્ય પાસાઓનું પણ સમગ્રલક્ષી મૂલ્યાંકન થઇ શકે નહીં. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં કોવિડ વેક્સિનેશન, કોન્ટેકટ સ્ટ્રેસિંગની કામગીરીમાં રોકવામાં આવ્યા છે તથા હાલમાં શહેરી વ્સ્તિારમાં શિક્ષકો ખૂબ મોટા પ્રમાણમાં કોવિડ પોઝિટિવ આવી રહ્યાં છે. ત્યારે શિક્ષણના વ્યાપક હિતમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ ન થાય ત્યાં સુધી શાળા મૂલ્યાંકન સ્થગિત રાખવા માગણી કરાઇ છે.