જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના ઢીલો પડવા સાથે સ્થિર થયો છે. ગઇકાલે સોમવારે જામનગર શહેરમાં કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતાં. જ્યારે ગ્રામ્યમાં નવા 43 કેસ સાથે કુલ 183 પોઝિટિવ કેસ મળી આવ્યા હતાં. ગઇકાલે કોરોનાના કારણે કુલ ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં. જેમાં બે જામનગર શહેરના અને એક ગ્રામ્ય વિસ્તારના દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 264 કોરોના સંક્રમિત ગઇકાલે રિકવર થયા હતાં.
શનિવારે જામનગર શહેરમાં કોરોનાના રેકોર્ડબ્રેક 526 કેસ નોંધાયા બાદ છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણમાં જબ્બર ઘટાડો થયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ સ્થિર થયું હોવાનું આકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે. શહેરમાં સોમવારે નવા 140 કેસ નોંધાયા હતાં. તો ગ્રામ્ય વિસ્તારમાં 43 કેસ નોંધાયા હતાં. જે સામે શહેરમાં 209 દર્દીઓ જ્યારે ગ્રામ્યમાં 55 દર્દીઓ સાજા થયા હતાં. આમ, શહેર જિલ્લામાં નવા દર્દીઓની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. જે ખૂબ જ રાહતની બાબત છે.
રાજ્યની સાથે જામનગરમાં પણ કોરોનાની ત્રીજી લહેરની પીક આવી ગઇ હોવાનું મનાય રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટને લઇને પ્રસરેલી આ ત્રીજી લહેર ધીમે ધીમે કાબુમાં આવી રહી હોવાનું સતત ઘટી રહેલા કેસ પરથી જણાઇ રહ્યું છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી શહેરના બે દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનું ગઇકાલે મૃત્યુ નિપજ્યું હતું. મૃત્યુ પામનાર દર્દીઓ મોટી ઉંમરના અને અન્ય બિમારીઓથી ગ્રશિત હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે દિવસથી શહેર જિલ્લામાં પોઝિટિવીટી દર પણ ઘટવા લાગ્યો છે. પરિણામે લોકોએ અને આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે.