જામનગર તાલુકાના બેરાજા ગામમાં લગ્નપ્રસંગે મહેમાન તરીકે આવેલા ખંભાળિયાના યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા લગ્ન પ્રસંગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતાં વૃદ્ધનું બિમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આશિયાવદર ગામના વતની અને હાલ ખંભાળિયામાં તુલસીપાર્ક સોસાયટીમાં રહેતાં પ્રવિણસિંહ મુળુભા જેઠવા (ઉ.વ.35) નામના યુવાન સોમવારે જામનગર તાલુકાના વાવબેરાજા ગામમાં રહેતા નટુભા પ્રતાપસિંહ જાડેજાને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હતાં અને લગ્ન પ્રસંગ દરમિયાન સોમવારે વહેલીસવારના સમયે પ્રવિણસિંહ જેઠવા નામના યુવાનને અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે તાત્કાલિકની જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં યુવાનની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નટુભા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસેના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા રણજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ.69) નામના નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર વૃદ્ધને છેલ્લાં છ વર્ષથી બ્લડપ્રેશરની બીમારી હતી અને સોમવારે રાત્રિના સમયે તેના ઘરે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર વિરેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.