ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલા કરીયાણાનો સામાન લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને માર્ગમાં અટકાવી, સરનામું પૂછવાના બહાને તેમણે પહેરેલા દાગીનાની લૂંટ ચલાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં જોધપુર ગેઈટ નજીક આવેલી નવી તાલુકા પંચાયત કચેરીની સામે રહેતા રામુબેન મોહનલાલ નકુમ નામના 70 વર્ષના વૃદ્ધ મહિલા ગઈકાલે ગુરૂવારે બપોરે પોતાના ઘર માટે કરીયાણાનો સામાન લઈને પરત જઈ રહ્યા હતા, ત્યારે જોધપુર ગેઈટ પાસે 25થી 30 વર્ષના લાગતા બે શખ્સોએ રસ્તા વચ્ચે તેમને અટકાવીને “નગર નાકુ કઈ બાજુ આવેલ છે?’- તેમ પૂછ્યું હતું. બાદમાં સમય પારખીને આ શખ્સોએ રામુબેનએ કાનમાં પહેરેલી બુટ્ટી તથા નાકનો દાણો ઉપરાંત ગળામાં પહેરેલી ચાંદીની રુદ્રાક્ષની માળા આ શખ્સોએ ઝૂંટવી લીધી હતી. આ દાગીના લઇને વૃદ્ધ મહિલા કંઈ સમજે તે પહેલા તેણીને ધક્કો મારી, પછાડીને આ શખ્સો નાસી છૂટયા હતા.
આમ, રૂપિયા 15 હજારની કિંમતની સોનાની બુટ્ટી સહિત કુલ રૂપિયા 16,400 ની કિંમતના દાગીનાની બળજબરીપૂર્વક લૂંટ ચલાવવા સબબ ખંભાળિયા પોલીસે રામુબેન નકુમની ફરિયાદ પરથી બે શખ્સો સામે આઈ.પી.સી. કલમ 379 વિગેરે મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.