ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સિદ્દીકભાઈ તાલબભાઈ રાજા નામના 48 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાનને સલાયાના રહીશ અયુબ સંઘાર ઉર્ફે ચા વાળો, અહેમદ અયુબ સંઘાર, મામદ ઉર્ફે મમું અયુબ સંઘાર અને અબુ મામદ સુંભણીયા નામના ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, છરી વડે હુમલો કરવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં સવિસ્તૃત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી સીદીકભાઈએ આરોપી અયુબ સંઘારની દુકાનેથી આશરે ત્રણેક વર્ષ પહેલા રૂપિયા દોઢેક લાખની કિંમતનો ઈલેક્ટ્રીકનો માલ સામાન ખરીદ કર્યો હતો. જે પૈકી તેમને રૂપિયા 18,000 આપવાના બાકી નીકળતા હતા. ફરિયાદી સીદીકભાઈને કામ ધંધો ઓછો ચાલતો હોય, જેથી તેમને આ બાકી રહેતી રકમ અયુબને સમયસર ચૂકી ન શકતા આ બાબતનો ખાર રાખી, ચારેય આરોપીઓએ તેમને બિભત્સ ગાળો કાઢી, માર માર્યાની તથા ફરિયાદીને છોડાવવા આવેલા તેમના પત્ની હસીનાબેન ઉપરાંત તેમના સાળા રજાકભાઈ પર પણ છરી વડે હુમલો કરતા તેમને આંગળીમાં ટાંકા આવ્યા હતા.
આમ, પૈસાની ઉઘરાણી બાબતે ચારેય શખ્સો દ્વારા પતિ-પત્ની તથા સાળા પર કરવામાં આવેલા હુમલાના બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 337, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.