ખંભાળિયા તાલુકાના સલાયા નજીકથી આશરે આઠ કિલોમીટર દૂર વિલેજ વિસ્તારમાં આવેલી એસ્સાર કંપનીમાંથી આશરે એક સપ્તાહ પૂર્વે લોખંડની ફેન્સીંગની ચોરી થવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકામાં આવેલી એસ્સાર બલ્ક ટર્મિનલના ગેઈટ નંબર 9 થી 12 વચ્ચેની જગ્યામાં કંપની દ્વારા લોખંડની ફેન્સિંગ બનાવવામાં આવી છે. ગત તારીખ 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન કોઈ હરામખોર તત્વોએ બલ્ક ટર્મિનલના કંપનીના વિસ્તારમાં પ્રવેશ કરી આ સ્થળે બાંધવામાં આવેલી લોખંડની ફેન્સીંગમાંથી આશરે રૂ. 4,250 ની કિંમતની દોઢસો ફૂટની 170 કિલોગ્રામ વજન ધરાવતી ફેન્સિંગ ચોરી કરીને લઇ ગયા હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયામાં રહેતા કંપની કર્મચારી જુવાનસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ. 42) ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. ભદ્રેશભાઈ ચાવડાએ હાથ ધરી છે.