જામનગરના સિનિયર કોંગ્રેસી અગ્રણી અને રાજવી પરિવાર સાથે નાતો ધરાવતાં આદિત્યસિંહજી જાડેજાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાંક સમયથી બિમાર હતાં અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતાં.
જામનગર શહેર કોંગ્રેસને પીઢ આગેવાન આદિત્યસિંહજી જાડેજા ગઇકાલે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. તેઓ આજીવન એક ચુસ્ત કોંગ્રેસી રહ્યાં હતાં. જામનગર શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસમાં પણ તેઓ જુદા જુદા હોદ્ાઓ સંભાળી ચૂકયા છે. ઉપરાંત કોર્પોરેટર પદ માટે પણ તેઓ ચૂંટણી લડી ચૂકયા છે. મીતભાષી અને મૃદુ સ્વભાવના આદિત્યસિંહજી પક્ષમાં તેમજ વિરોધીઓમાં પણ ભારે લોકપ્રિય હતાં. રાજવી પરિવાર સાથે સંકળાયેલા હોવાના કારણે લોકો તેમને માનથી નિહાળતાં હતાં. શહેરના નદીપા વિસ્તારમાં રાજશાહી સમયની તેમની દોઢીમાં તેઓ રહેતાં હતાં. છેલ્લા ઘણા સમયથી બિમાર હોવાના કારણે સારવાર લઇ રહ્યાં હતાં. દરમિયાન ગઇકાલે સારવાર દરમિયાન તેમનું નિધન થતાં સમગ્ર કોંગ્રેસ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.