આર્થિક સદ્ધરતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને સ્વેચ્છાએ પોતાનો અનાજનો હક્ક જતો કરવા શહેર મામલતદાર દ્વારા અપીલ કરાઇ છે. રેશન કાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના છે. જે કુટુંબ ચાર પૈડાનું વાહન કે યાંત્રિક માછીમારી બોટ ધરાવતું હોય, કુટુંબના કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય કે સરકારી પેન્શન મેળવતા હોય, કુટુંબના કોઈપણ સભ્યની માસિક આવક રૂા. 10 હજારથી વધુ હોય, કુટુંબના કોઈપણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતા હોય, કુટુંબ ખેતીની જમીન ધરાવતું હોય અથવા તો આર્થિક રીતે સદ્ધર હોય તો આવા કુટુંબોને રેશનકાર્ડથી વિતરિત કરવામાં આવતું અનાજ મળવાપાત્ર નથી.
આથી ઉપરોક્ત મુજબની આર્થિક સદ્ધરતા ધરાવતા રેશનકાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 યોજના અંતર્ગત સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરવા શહેર મામલતદાર કચેરીની પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડની નકલ જોડી તા. 15/2/2022 સુધીમાં અરજી કરે તે ઇચ્છનીય છે. જો આમ કરવામાં ચૂક થશે તો ઝુંબેશરૂપે ખાસ તપાસ હાથ ધરી આર્થિક સુખાકારીના પુરાવા માલુમ પડ્યે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ શહેર મામલતદાર જામનગર દ્વારા જણાવાયું છે.