કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા ગુરુવારે રાત્રીના સમયે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી સાત શખ્સોને રૂપિયા 78 હજાર રોકડા તથા રૂપિયા અઢી લાખની કિંમત મોટરકાર મળી કુલ રૂપિયા 3.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામના નગડીયા વાડી વિસ્તારમાં રહેતા લીલાભાઈ રામદેભાઈ ઓડેદરા નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવવામાં આ
વતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગુરુવારે રાત્રીના સવા બારેક વાગ્યે આ સ્થળે દરોડો પાડ્યો હતો.
ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ડાંગરવડ ગામના લીલાભાઈ રામદેભાઈ ઓડેદરા, વેજા મુળુભાઈ ઓડેદરા , પોરબંદરના કાના હરદાસ ઓડેદરા , ખંભાળિયા તાલુકાના ભાણવડ ગામના રાહુલ જીવણભાઈ રૂડાચ ખંભાળિયાના નાગાજણ સામત મૂન, દેવુ નાનશી કારીયા અને ખંભાળિયાના હજામ પાડા વિસ્તારમાં રહેતા ઈકબાલ રજાક સેતા (ઉ.વ. 30) નામના કુલ સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 78,430 રોકડા તથા રૂપિયા અઢી લાખની કિંમતની જી.જે. 37 બી. 6488 નંબરની ઈક્કો મોટરકાર મળી કુલ રૂપિયા 3,28,430 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી. મધરાત્રે ધમધમતા જુગારના અખાડા પર કરવામાં આવેલી આ કાર્યવાહીએ જુગારી તત્વોમાં દોડધામ મચાવી દીધી હતી.