જામનગર શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં દરરોજ કોરોનાના કેસ વધવાથી મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટુકડી દ્વારા ભીડભાડ આ વિસ્તાર વાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટની અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે. આ સંક્રમણ અટકાવવાના ભાગરૂપે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજાર કે જેમાં કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી અને ખરીદી કરવા માટે આવનારા લોકો તેમજ ફેરિયાઓ સહિત 110થી વધુ લોકોના કોરોના ના સેમ્પલો લઈ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તે જ વિસ્તારમાં સાંજે ભરાતી શાક માર્કેટ કે જેમાં પણ કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 95 જેટલા સેમ્પલો મેળવી લેબોરેટરીમાં મોકલાયા છે.
તેમજ આજે સવારે રણજીત રોડ વિસ્તારમાં અને શાક માર્કેટના એરિયામાં શાકભાજીના ફેરિયાઓનું પણ કોવિડ પરીક્ષણ કરીે 100 થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટનસનું પાલન કરાવવા માટેની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે.
તથા શહેરના જુદા-જુદા ભીડવાળા વિસ્તારોમાં કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેમાં એસ્ટેટ શાખાની પણ મદદ લેવાઈ રહી છે. જામનગર શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા અને માસ્ક પહેર્યા વિના નીકળે નહીં તે માટે છેલ્લા એક અઠવાડિયાથી જુદી જુદી 6 ટુકડીઓ દોડધામ કરી રહી છે, અને એક સપ્તાહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા 85 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 34 હજારનો દંડ વસૂલાયો છે. તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળેલા 54 લોકો સામે પણ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત રૂપિયા 54 હજારનો દંડ વસૂલાયો છે. સમગ્ર શહેરમાં સપ્તાહ દરમિયાન કુલ 139 કેસ કરાયા છે, જ્યારે રૂપિયા 88 હજારના દંડની વસુલાત કરાઇ છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.