જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા પટેલ યુવાને આર્થિક પરિસ્થિતિથી કંટાળીને કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતાં યુવાનને છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતાં અને કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામનો વતની ચંદ્રેશભાઈ મોહનભાઈ સંઘાણી (ઉ.વ.43) નામના પટેલ યુવાનની છેલ્લાં ઘણાં સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આર્થિક ભીંસથી કંટાળીને બુધવારે નાની ભલસાણ ગામમાં તેના ઘરે છતના કડા સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ મૃતકના ભાઈ દિવ્યેશ દ્વારા કરવામાં આવતા હેકો એફ.એમ. ચાવડા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામના સીમ વિસ્તારમાં બાબુભાઇ અકબરીના ખેતરમાં મજૂરીકામ કરતા બાબુભાઈ ગલ્લાભાઈ બારિયા (ઉ.વ.40) નામના આદિવાસી યુવાને મંગળવારે મધ્યરાત્રિના સમયે એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું બુધવારે વહેલીસવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાજેશ ડામોર દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.