જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા નજીક રોડ પરના ખાડા પૂરવાનું અને સફાઈ કરવાના કામ દરમિયાન મજૂરીકામ કરતી યુવતીની ઓઢણી ટ્રેકટર અને કમ્પ્રેશર વચ્ચે નીચે પટકાતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ઉત્તર પ્રદેશના જામવામાં રોટલા ગામની વતની મનીષાબેન જોગડિયાભાઈ બારિયા (ઉ.વ.20) નામની આદિવાસી યુવતી ગત મંગળવારે સાંજના સમયે જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયાથી લાલપુર ચોકડી તરફ જતા માર્ગ પર ખાડા પૂરવાનું કામ કરતી હતી તે દરમિયાન ટ્રેકટરની પેટીમાંથી બ્રશ કાઢવા જતા સમયે ટ્રેકટર અને કમ્પ્રેશર વચ્ચેના સાફટીંગમાં યુવતીની ઓઢણી અને ચણિયો ફસાઈ જતાં રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું બુધવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ કમલુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.