કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતી યુવતીએ તેણીની વાડીએ કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં સાતનાલા પાસે રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટે્રન હડફેટે આવી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પાલાભાઇ આલાભાઇ ખરા નામના પ્રૌઢની પુત્રી પુજાબેન ખરા (ઉ.વ.21) નામની યુવતીએ ગત તા.8 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન બુધવારે સાંજના સમયે મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં વામ્બે આવાસની બાજુમાં રહેતો અશોકભાઈ વિરજીભાઈ ગોહિલ (ઉ.વ.36) નામના મજૂરીકામ કરતો યુવાન બુધવારે મધ્યરાત્રિના સમયે સાતનાલા આગળ થાંભલા નંબર 829 પાસેના રેલવે ટ્રેક ઓળંગતી વખતે પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે એન.વી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.