જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં બળિયા હનુમાન મંદિર સામે આવેલી દુકાનના ટેબલ પરથી રૂા.50 હજારની કિંમતનો આઈફોન ગ્રાહક બની આવેલા બે શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગરમાં મોમાઈનગર વિસ્તારમાં રહેતા યશપાલસિંહ રતુભા ચુડાસમા નામના યુવાનની ગાંધીનગરમાં બળિયા હનુમાનજી મંદિર સામે આવેલી દુકાનમાં ગત તા.23 ના રોજ સાંજના 7 થી 7:30 સુધીના સમયમાં ગ્રાહક બની આવેલા બે અજાણ્યા શખ્સો વેપારીનો ટેબલ પર રાખેલો રૂા.50 હજારની કિંમતનો આઈફોન નજર ચૂકવીને ગણતરીની મિનિટોમાં જ ચોરી કરી લઇ ગયા હતાં. ત્યારબાદ વેપારીના નિવેદનના આધારે હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એલસીબીએ બુ્રકબોન્ડના મેદાનમાંથી એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી પાંચ ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આઈફોન સહિત ચાર સ્થળોએથી મોબાઇલ ચોરી આચર્યાની કેફિયત આપી હતી.


