ગુજરાત સહિત સમગ્ર દેશમાં દરરોજ વાહન અકસ્માતથી અસંખ્ય લોકોના મોત નિપજે છે. અકસ્માતમાં થતા મૃત્યુ ઘટાડવા માટે પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે સલામતિ જાગૃતત્તા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ અકસ્માત ટાળવા માટે રાખવાની સલામતીની સૂચનાઓ આપવામાં આવે છે તેમ છતાં લોકો પોલીસની સૂચનાઓનો અમલ કરવામાં બેદરકારી દાખવતા હોય છે. હાઈ-વે માર્ગ પરથી પસાર થતા વાહનોની ઝડપ, સીટ બેલ્ટ, રોંગસાઈડ અને ડ્રાઈવિંગના નિયમોનું પાલન કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ટ્રાફિક પોલીસને એક ઈન્ટરસેપ્ટર (ઈનોવો) કાર ફાળવવામાં આવી છે. આ કારમાં રહેલી ટેકનોલોજીને કારણે વાહનોની સ્પીડ અને સીટ બેલ્ટ તથા ડ્રાઈવિંગમાં બેદરકારી દાખવતા ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં વધુ ઉપયોગી બનશે અને આ કાર દ્વારા જામનગર જિલ્લામાં હાઈ-વે પર ચેકીંગ શરૂ કરવામાં આવી છે.