જામનગર સહિત સમગ્ર દેશમાં બીજી લહેર પછી કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને ત્રીજી લહેરના પ્રારંભમાં જ પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળે છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે આજથી દેશભરમાં 15 થી 18 વર્ષના તરૂણોને વેકિસનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જામનગરમાં પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે શહેરમાં કસ્તુરબા વિકાસ ગૃહ વેકિસનેશન સેન્ટરે દિપપ્રાગટય કરી વેકિસનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે 15 થી 18 વર્ષના તરૂણો માટે જામનગર સહિત સમગ્ર ભારતમાં આજથી વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. જેેમાં મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડીની સૂચનાથી ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારીઓની ટીમ દ્વારા શહેરની 122 ખાનગી અને સરકારી શાળાઓમાં એક સપ્તાહ દરમિયાન 23 હજારથી વધુ તરૂણો રસીકરણ કરવા માટેનો પ્રોગ્રામ શરૂ કરાયો છે. પ્રથમ દિવસે જામનગર શહે2ની કુલ 22 સરકારી અને ખાનગી શાળાઓમાં 15 થી 18 વર્ષના તરૂણ વિદ્યાથીઓને આધાર કાર્ડ અથવા તો અન્ય ઓળખના પ્રમાણપત્રના આધારે અથવા તો કોઇ વિદ્યાથીઓ પાસે આધાર પુરાવાઓ સાથે નહીં હોય તો વિદ્યાર્થીના વાલીના મોબાઇલ નંબરના આધારે પણ વેકસીનના ડોઝ માટેનું રજિસ્ટ્રેશન કરાવી દઈ વેક્સિનેશન આપવામાં આવી રહી છે.
ઉપરાંત મહાનગરપાલિકા સંચાલિત જુદા-જુદા 12 અર્બન હેલ્થ સેન્ટરોમાં સવારે 10 થી બપોરે 1 વાગ્યા અને 3 થી સાંજે 5:30 વાગ્યા સુધી 15 થી 18 વર્ષની વયના નાગરિકને વેક્સિનેશનનો ડોઝ આપવા માટેની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેને લઈને ગઈકાલે સાંજથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અને કોવિન વેક્સિન ની સાઇટ પરથી લોકો પોતાના મોબાઈલ ફોન મારફતે રજિસ્ટ્રેશન કરાવી વેક્સિનેશન કરાવવાનું રહેશે. તેમજ આજે શરૂ થયેલા વેકિસનેશનમાં અમુક વિદ્યાર્થીઓ તો ઈન્જેકશનના ભય થી ડરતા હોય જેના કારણે વેકિસનેશન સેન્ટર ઉપર રમુજી પળો જોવા મળી હતી.