રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના દરેડથી ચંગા સુધીના ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે રૂ. ૧૯ કરોડના ખર્ચે નિર્મિત આ ચારમાર્ગીય રોડની સુવિધાથી લોકોને ટ્રાફિક સહિતની મુશ્કેલીઓમાં રાહત મળશે.
આ માર્ગ મજબૂત અને ચારમાર્ગીય થતાં લોકોને લાલપુરથી જામજોધપુર જવા માટેની સુવિધામા ઉમેરો થયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં સરકારે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ ધર્યા છે. તેમજ આ મંજૂર કામો આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે.
સરકારે ગામડાઓની સુવિધાઓમાં વધારો થાય તે માટે ગ્રામીણ વિકાસને લગતી મોટાભાગની માંગણીઓ ગ્રાહ્ય રાખી છે જેમાં દરેડ- મસીતીયા રોડનું કુલ રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે કામ પૂર્ણ થયેલ છે. તેમજ રૂ. ૬ કરોડના ખર્ચે રંગમતી નદી પરના પુલનું કામ, રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે અલિયાબાડા-વિજરખી રોડનું કામ, રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે જામનગર-સમાણા-ફૂલનાથ રોડનું કામ પ્રગતિમાં છે. અને આ તમામ કામો આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આ તકે જિલ્લા મંત્રી કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, અગ્રણી ચંદુભા કેર તથા ચંગા, નારણપર, દરેડ ગામના સરપંચઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.