કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ભારતમાં વેક્સિનેશન અભિયાન પણ વેગ પકડી રહ્યું છે. હવે 15 થી 18 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ માટે આજથી વેક્સિનેશન માટે CoWin પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે, 25 ડિસેમ્બર, 2021ના રોજ વડાપ્રધાને 15 થી 18 વયજૂથના લોકોને કોરોના વિરોધી રસી આપવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આગામી 3 જાન્યુઆરી સોમવારથી વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે.
જ્યારે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પણ મોટું એલાન કર્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે, સરકારે નિર્ણય લીધો છે કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત 10 જાન્યુઆરી સોમવારના રોજથી કરવામાં આવશે. 15-18 વયજૂથના વેક્સિનેશન સંદર્ભે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચન કર્યું છે કે, આ વયજૂથના લોકોને માત્ર કોવેક્સિનની જ વેક્સિન આપવાની રહેશે.
કોવેક્સિનના વધારાના ડોઝ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલી દેવામાં આવશે. વેક્સિન લેવા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત છે. વેક્સિન લીધા બાદ રસીકરણ કેન્દ્ર પર અડધો કલાક રોકાવું પડશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યને ચકાસવામાં આવશે. પ્રથમ ડોઝના 28 દિવસ બાદ જ બાળકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. લોકો પોતાના મોબાઈલ કે લેપટોપ પર કોવિન પોર્ટલ થકી પ્રથમ ડોઝ બૂક કરાવી શકશે. આ માટે તમારે તમારા મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.