જામનગર શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવેલા દારૂના સ્થળે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત પાંચ સ્થળોએથી કુલ 141 બોટલ અને ત્રણ મોબાઇલ સહિત પાંચ શખ્સોને દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નવા વર્ષની ઉજવણીમાં કોરોના સંક્રમણ ન વકરે અને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા જામનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી શુક્રવારે રાત્રિના સમયે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન નાગનાથ ગેઈટ નજીકથી તાઝીમ મહમદ હનિફ અને અનિરૂધ્ધસિંહ બચુભા રાયજાદા કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે બન્નેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ સીટી બી ડીવીઝનના પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશ વેગડ, પો.કો. કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રામેશ્વરનગર નંદન પાર્ક વિસ્તારમાંથી દિવ્યરાજસિંહ ભૂપતસિંહ ઝાલાને રૂા.3000 ની કિંમતની છ બોટલ સાથે તથા ક્રિષ્નાપાર્ક 2 માંથી દિવ્યરાજસિંહ લાલુભા ચુડાસમાને રૂા.6000 ની કિંમતની 12 બોટલ અને બે હજારની કિંમતના મોબાઇલ સાથે ઝડપી લીધા હતાં.
તેમજ નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાંથી ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાને રૂા.1500 ની કિંમતની દારૂની 3 બોટલો સાથે તથા રામેશ્ર્વરનગર શકિતપાર્ક 2 માંથી નાગરાજસિંહ ભરતસિંહ જાડેજાને રૂા.30 હજારની કિંમતની 60 બોટલ દારૂ અને બે હજારની કિંમતનો મોબાઇલ સહિત ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત રામેશ્વરનગર વિનાયક પાર્કમાંથી યોગીરાજસિંહ ભરતસિંહ સોઢાના મકાનેથી રેઈડ દરમિયાન રૂા.30 હજારની કિંમતની 60 બોટલ દારૂ અને બે હજારની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.32 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ પોલીસે કુલ પાંચ શખ્સોને 141 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા મોરબીમાં રહેતાં સપ્લાયર ઋષિરાજસિંહ જાડેજાનું નામ ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.