જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં મિત્રના ઘરે યુવાને અગમ્યકારણોસર પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કાલાવડ તાલુકાના જશાપર ગામની સીમમાં રહેતાં શ્રમિક યુવક નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગરમાં નાગેશ્ર્વર પાર્ક જૂના નાગના રોડ પરના વિસ્તારમાં રહેતો રાજેશ હરેશભાઈ ગઢીયા (ઉ.વ.25) નામનો યુવાન મંગળવારે તેના મિત્ર દિક્ષીતના માસીના પટેલકોલોની શેરી નં.6 માં આવેલા મકાને રૂમનો દરવાજો બંધ કરી રસોડાની છતમાં હુંક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા હરેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના જશાપર ગામની સીમમાં બાવનજીભાઈ ફળદુના ખેતરે રહીને મજુરી કામ કરતો રમેશ લીમજીભાઈ ભાંબોર (ઉ.વ.18) નામના શ્રમિક યુવકને ઘણાં સમયથી હાથ પગ દુ:ખતા હતાં અને સોમવારે રાત્રિના સમયે નિંદ્રાધિન થયો હતો ત્યારબાદ બીજા દિવસે સવારના સમયે યુવકને ઉઠાડતા નહીં ઉઠવાથી બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકન ભાઈ દિનેશ દ્વારા જાણ કરાતા હેકો જી. પી. ગોસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.