ખંભાળિયામાં કાર્યરત જિલ્લા ટ્રાફિક વિભાગના સ્ટાફે તેમની કાયદાકીય ફરજ દરમ્યાન એક વૃદ્ધાને ઇજાગ્રસ્ત હાલતમાં ખુરશી પર બેસાડી અને તાકીદની સારવાર આપવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.
ખંભાળિયામાં પંથકમાં ટ્રાફિક નિયમ અંગેની કામગીરી બજાવી રહેલા જિલ્લા ટ્રાફિક વિભાગના પીએસઆઈ એન.ડી. કલોતરા તથા તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દેવરામભાઈ ભોજાભાઈ પંડત સાથે જવાન લગધીરસિંહ જાડેજા તેમની ટ્રાફિક નિયમન અંગેની કામગીરી કરી રહ્યા હતા, એ દરમિયાન અહીંના ટ્રાફિકની વ્યવસ્થા એવા મિલન ચાર રસ્તા પાસે એક વાહન ચાલકે આ વિસ્તારમાં જઇ રહેલા વયોવૃદ્ધ માજીને અડફેટે લીધા હતા.
શારીરિક રીતે અશક્ત બની ગયેલા આ વૃદ્ધાને ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ ખુરશી ઉપર બેસાડી અને હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે પહોંચાડ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા વૃદ્ધાના સગા-સંબંધીઓને બોલાવી અને જરૂરી સેવા કરી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.