આ કામના ફરિયાદી કરશન તેજાભાઈ રે. આરબલુસ વાળાની દીકરી નીતાબેનના લગ્ન ગીરીશ વાલજી જામનગર પટેલનગર વાળા સાથે કર્યા હતાં. લગ્નના ચાર માસ બાદ ગુ.નીતાબેને તેના પતિ, જેઠ અને સાસુ રામીબેન સામે દુ:ખત્રાસ આપતા હોય જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં 498 એ ની ફરિયાદ કરતા બધાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુ. નીતાબેન દ્વારા સમાધાન કરી તેના પતિ તેડી ગયા હતાં અને ત્યારબાદ તા.5-4-2014 ના રોજ ગુ.નીતાબેનના પતિએ પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો આપી મોત નિપજાવ્યું તથા અન્ય આરોપી જેમાં ગુજરનારના જેઠ પ્રવિણ વાલજી તથા સાસુ રામીબેન દ્વારા ઘરમાં સફાઈ કરી નાખતા તેમના પર પુરાવાની કલમ લગાડીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં સરકાર પક્ષે જુદા-જુદા સાક્ષીઓ તપાસેલ હતાં. આ કેસમાં ગુજરનારના પિતા, કાકા, પાડોશીઓને તપાસ્યા હતાં. તેમાં આરોપી ગીરીશ વાલજી દ્વારા બનાવ બાદ બનાવ સંબંધોની વાત સાક્ષીઓ પાસે કરેલ હતી. તેથી એકટ્રા જ્યુડીશીયલ સ્ટેટમેન્ટને આધારે પતિ ગીરીશ વાલજીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા કરી છે તથા જેઠ પ્રવિણ વાલજીને નિર્દોષ છોડેલ છે તથા સાસુ રામીબેન ચાલુ કામે ગુજરી જતા એબેટ કરવામાં આવ્યા હતાં.
આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ રાજેશ રાવલ રોકાયેલ હતાં તથા મૂળ ફરિયાદીના વકીલ એચ.ડી. જોશી રોકાયેલ હતાં.