ખુશ્બુના શહેરમાં ખજાનાની શોધમાં આવેલી જીએસટીની વિજીલન્સ ટીમ સતત 60 કલાકથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન ટીમના ઓફિસરોએ ઉંંઘ પણ લીધી નથી. એટલુ જ નહિ છેલ્લા 60 કલાકથી સર્ચ ઓપરેશન ચાલુ છે. વેપારી પિયુષ જૈનના ઘરે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં 180 કરોડ રૂા. જપ્ત થયા બાદ કનૌજથી કરોડોની કેશ, 125 કિલો સોનુ તથા અબજોની સંપત્તિના દસ્તાવેજો મળ્યા છે. ડીજીજીઆઈના દરોડામાં અત્યાર સુધી 1000 કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે. કાનપુર બાદ ટીમ પિયુષ જૈનના કનૌજ સ્થિત નિવાસની તપાસ કરી રહી છે. તેના 7 ઘરોની દિવાલો, છુપા ખાનાઓ, કબાટો અને લોકરોને તોડવામાં આવી રહ્યા છે.
જે કબાટમાં કટર ચાલી રહ્યા છે તેમાંથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. અભેદ લોકરોમાંથી 125 કિલો સોનુ મળી ચૂકયુ છે. દરોડામાં રોકડ અને સોનાની સાથે મોટી સંખ્યામાં પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યા છે. અત્યાર સુધી કાનપુરમાં 4, કનૌજમાં 7, મુંબઈમાં 2, દિલ્હીમાં 1 અને દુબઈમાં 2 પ્રોપર્ટી સામે આવી છે. બધી જ સંપત્તિઓ વૈભવી વિસ્તારોમાં છે. કનૌજમાં પિયુષ જૈનના ઘરની દિવાલોમાંથી સોનુ બહાર નિકળી રહ્યુ છે. જ્યારે જમીનમાંથી રૂપિયાના બંડલો મળી રહ્યા છે. ગઈકાલ સાંજ સુધી 125 કિલો સોનુ મળ્યુ છે. 9 કોથળા ભરી રોકડ મળી છે. 50થી વધુ કોથળામાં ઓફિસરોએ 350 ફાઈલો અને 2700 દસ્તાવેજો મુકયા છે. આ રોકડા પિયુષના બેડરૂમમાં બેડની અંદરથી મળી આવ્યા છે. રૂમમાં જ બેડની નીચેથી લોકર મળ્યા છે. ઓફિસરોને કનૌજ સ્થિત સંકુલોમાંથી 500 ચાવી મળી છે. તાળા ખોલવામાં ઓફિસરોને મહેનત પડી રહી છે. કારીગરોને બોલાવવામાં આવી રહ્યા છે. અમુક તાળા તોડવામાં આવી રહ્યા છે. પિયુષ જૈનના કિલેનુમા ઘરની દિવાલો તોડતા અને જમીન ખોદતા મોટી સફળતા મળી. જ્યાંથી ગુપ્ત દસ્તાવેજો મળ્યા, દિવાલોની વચ્ચે કે જમીનની નીચે તિજોરી છે. એકસ-રે મશીનોની મદદ લેવામાં આવી છે.