- Advertisement -
જૂનાગઢના જાણીતા શિક્ષણવિદ તથા વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ રાજકીય ક્ષેત્રે પ્રથમ હરોળના આગેવાન પ્રદિપભાઈ ખીમાણીની કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની એવી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર પદે વરણી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત્ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રભારી તરીકે નોંધપાત્ર ફરજ અદા કરી રહેલા જૂનાગઢના રહીશ પ્રદીપભાઈ પ્રાણલાલભાઈ ખીમાણી કે જેમને આજ સુધી વિવિધ ક્ષેત્રમાં કુલ સતર જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે, તેમની આ સિધ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. સમાજના વિવિધ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાનને ધ્યાનમાં લઇ અને કેન્દ્ર સરકાર દ્વારા તેમને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેકટર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુદા જુદા પાંચ વિષયોમાં પદવી ધારણ કરનાર પ્રદીપભાઈ ખીમાણી જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ સતત દસ વર્ષ નગરપાલિકા સેલના પ્રદેશ કન્વિનર તરીકે, છેલ્લા પાંચ દાયકાથી સંઘના સ્વયંસેવક તરીકે કાર્યરત રહી તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી બાદ જૂનાગઢમાં મહાનગર ભાજપના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ શાસક પક્ષના નેતા તરીકે, પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે, સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે સંગઠન ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાઓ આપી છે.
તેમના સામાજિક કાર્યકાળ દરમિયાન તેમને ભારત જ્યોતિ એવોર્ડ, બેસ્ટ સિટીઝન ઓફ ઈન્ડિયા એવોર્ડ, રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, રાજીવ ગાંધી એવોર્ડ, ઇન્દિરા ગાંધી સદભાવના એવોર્ડ, ગ્લોબલ ઇન્ડિયા ઓફ ધ યર એવોર્ડ, પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ, ગોલ્ડ સ્ટાર મિલેનિયમ એવોર્ડ, ભારત જ્યોતિ પુરસ્કાર, ઈન્ડો-થાઇલેંડ ઇન્ટરનેશનલ પર્સનાલિટી, ઇન્ડો- રશિયા ફ્રેન્ડશીપ એવોર્ડ, ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ એજ્યુકેશન, સહિતના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ સાથે તેમને સેન્ટ્રલ બેંકના ડાયરેક્ટર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવતા હાલાર પંથક સાથે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં રાજકીય આગેવાનો, કાર્યકરો તથા શુભેચ્છકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
- Advertisement -